સામાજિક સુરક્ષા યોજનાના નિયમો

હેતુઃ શ્રી ધાણધાર વણકર સમાજ વેલ્ફેર ટ્રસ્ટના સામાજિક સુરક્ષા યોજનામાં નોંધાયેલ કોઇપણ સભાસદનું અવસાન થાય તે સમયે તેમના કુટુંબ ઉપર આવી પડતી જવાબદારીમાં મદદરૂપ થઇ તેમના વારસદારોની આર્થિક સલામતી જળવાય રહે તે હેતુસર આ સામાજિક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે.

(૧) સભાસદની યોગ્યતા (સભાસદ કોણ થઇ શકે?)
  1. ૧. આ યોજનામાં ધાણધાર વણકર સમાજના કુટુંબની કોઇપણ (સ્ત્રી / પુરુષ) વ્યકિત ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર સુધીના સભાસદ થઇ શકશે.
  2. ૨. આ યોજનામાં જોડાનાર વ્યક્તિ શારીરિક તંદુરસ્તી ધરાવતી હોવી જોઇએ.
  3. ૩. ઉંમરના પુરાવા માટે એલ.સી. પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ રજૂ કરવાની રહેશે
  4. ૪. એક કુટુંબના એક કરતાં વધારે વ્યક્તિઓ પણ આ યોજનામાં સભાસદ બની શકશે. જે વ્યકિત સભાસદ હશે તેને જ આ યોજનાનો લાભ મળશે.
(૨) સભાસદની દાખલ ફી
આ યોજનામાં સભાસદ બનવા માટે નીચે મુજબ વયમર્યાદા મુજબ ફી ભરવાની રહેશે.
વયમર્યાદા સભાસદ ફી
૧૮ વર્ષથી વધુ ૩૦ વર્ષ સુધી ૨૦૦૦/-
૩૦ વર્ષથી વધુ ૪૦ વર્ષ સુધી ૩૦૦૦/-
૪૦ વર્ષથી વધુ ૫૦ વર્ષ સુધી ૪૦૦૦/-
(૩) સભાસદે ભરવાની મૃત્યુ સહાય ફાળાની રકમ
  1. ૧. આ યોજનામાં સભાસદ તરીકે જોડાયેલ કોઇપણ સભાસદનું અવસાન થાય ત્યારે દરેક સભાસદે મૃત્યુ સહાય ફાળા પેટે રૂા. ૫૦/- ટ્રસ્ટમાં આપવાના રહેશે.
  2. ૨. જે તારીખે વ્યક્તિ સભાસદ બનશે તે પછી જેટલા સભાસદના અવસાન થશે તેનો મૃત્યુ સહાય ફાળો આપવાનો રહેશે.
  3. ૩. મૃત્યુ સહાય ફાળાની રકમ ભરવા માટેની જાણ દરેક સભાસદને છ માસિક ધોરણે કરવામાં આવશે (એપ્રિલ થી સપ્ટેમ્બર તથા ઓકટોબર થી માર્ચ) તેમ છતાં આ અંગેની માહિતી મેળવવા દરેક સભાસદે ટ્રસ્ટની ઓફિસનો સંપર્ક કરી યોગ્ય જવાબદારી અદા કરવાની રહેશે.
  4. ૪. મૃત્યુ સહાય ફાળાની રકમ એપ્રિલ થી સપ્ટેમ્બર કુલ છ માસની થતી રકમ ૩૧મી ઓકટોબર સુધીમાં ભરવાની રહેશે. ૧લી નવેમ્બરથી ૩૦મી નવેમ્બર સુધી ૫૦/- રૂપિયા લેટ ફી સાથે ફાળો ભરી શકાશે અને ઓકટોબરથી માર્ચ કુલ છ માસની થતી રકમ ૩૦મી એપ્રિલ સુધીમાં ભરી શકાશે. ૧લી મેથી ૩૧મી મે સુધી ૫૦/- રૂપિયા લેટ ફી સાથે ફાળો ભરી શકાશે. આ મુદ્દત સુધીમાં ફાળો ન ભરનાર સભાસદનું સભ્યપદ આપોઆપ રદ થઈ જશે. જેની નોંધ લેવા વિનંતી. લેટ ફી સાથે ફાળો સભાસદે ટ્રસ્ટની ઓફિસમાં અથવા ઓનલાઇન જમા કરાવવાનો રહેશે.
  5. ૫. મૃત્યુ સહાય ફાળાની રકમ ભરવાની જવાબદારી જે તારીખે સભાસદ નોંધાયેલ હશે ત્યારથી ૨૫ વર્ષ સુધી રહેશે. સળંગ ૨૫ વર્ષ સુધી સભાસદ તરીકે ચાલુ રહેનાર સભાસદે ૨૫ વર્ષ પછી મૃત્યુ સહાય ફાળાની રકમ ભરવાની રહેશે નહી. અને તેનું સભ્યપદ ચાલુ રહેશે. યોજનાના બધા જ લાભ મળશે.
(૪) સભાસદને મૃત્યુ સહાય પેટે મળવાપાત્ર રકમ
  1. ૧. મૃત્યુ પામેલ સભાસદના વારસદારો અથવા કુટુંબીજનોએ સભાસદના મૃત્યુની જાણ ટ્રસ્ટના કાર્યાલયમાં કરવાની રહેશે. તથા કલેઇમ ફોર્મ ભરી સાથે સભાસદના મરણનો દાખલો તથા સભાસદ નંબરનું સર્ટીફિકેટ કલેઇમ ફોર્મ સાથે બિડવાનું રહેશે.
  2. ૨. મૃત્યુ સહાય પેટે સભાસદે ભરેલ રૂ. ૫૦/- માંથી રૂ. ૧૦/- ટ્રસ્ટના નિભાવણી ખર્ચ પેટે જમા રાખી રૂ. ૪૦/- સભાસદના વારસદારોને ચૂકવવામાં આવશે.
  3. ૩. કોઇપણ સભાસદનું અવસાન થાય તેના અગાઉ માસની આખર તારીખ સુધી જેટલા હયાત સભાસદો રજીસ્ટર ઉપર નોંધાયેલ હશે તે પૈકીમાંથી સભાસદ તરીકે ૨૫ વર્ષ પુરા કરેલ સભાસદ સંખ્યા બાદ કરી બાકી રહેલ સભાસદના ૪૦ રૂપિયા લેખે જે રકમ થાય તે રકમ સભાસદના વારસદારોને ચુકવવામાં આવશે.જેની રસીદ વારસદારોએ આપવાની રહેશે.
  4. ૪. સભાસદ તરીકે ૨૫ વર્ષ પૂર્ણ કરેલ સભાસદમાંથી કોઇપણ સભાસદનું મૃત્યુ થાય ત્યારે સભાસદના વારસદારોને નિયમો અનુસાર મૃત્યુ સહાય સંસ્થામાંથી ચુકવવામાં આવશે જેની રસીદ વારસદારોએ આપવાની રહેશે.
  5. ૫. સભાસદનું અરજીપત્રક સ્વીકાર્યાની તારીખથી એક વર્ષની મુદતમાં સભાસદનું અવસાન થશે તો સભાસદને મળવાપાત્ર મૃત્યુ સહાયની રકમના ૫૦% રકમ ચૂકવવામાં આવશે જેની દરેક સભાસદે ખાસ નોંધ લેવી.
  6. ૬. સભાસદના વારસદારોને મૃત્યુસહાયની રકમ એકાઉન્ટ પે ચેકથી ચૂકવવામાં આવશે.
  7. ૭. સભાસદના અવસાન વખતે અરજીપત્રકમાં જેટલા વારસદારોના નામ હશે તેઓને મૃત્યુ સહાયની જે રકમ ચૂકવવાની થતી હશે તે સરખા ભાગે અલગ અલગ ચેકથી ચૂકવવામાં આવશે.
(૫) સભાસદની જવાબદારી
  1. ૧. દર વર્ષ એપ્રિલ થી સપ્ટેમ્બર તથા ઓકટોમ્બર થી માર્ચ એક વર્ષમાં બે વખત ૬ માસ સુધીમાં જેટલા સભાસદના અવસાન નોંધાયેલ હશે તે દરેક અવસાન દીઠ રૂ. ૫૦/- મૃત્યુ સહાય ફાળો રોકડ, ઓનલાઇન અથવા ડ્રાફટ થી નિયત સમયમાં ટ્રસ્ટની ઓફીસમાં ટ્રસ્ટ દ્વારા મુકરર કરેલ કલેકશન સેન્ટરમાં મોકલી આપવાની જવાબદારી સભાસદની રહેશે.
  2. ૨. સભાસદને મૃત્યુ સહાય ફાળો ભરવાની જાણ કરવામાં આવશે. છતાં દરેક સભ્યોએ પોતાની નૈતિક જવાબદારી સમજી આ અંગેની જાણકારી મેળવી મૃત્યુ સહાય ફાળાની રકમ જમા કરવાની જવાબદારી અદા કરવાની રહેશે.
  3. ૩. દરેક સભાસદ આ ટ્રસ્ટનો કાર્યકર છે. આ યોજનામાં વધુમાં વધુ સભાસદો નોંધાય અને આ યોજના ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે સભાસદોએ પ્રયત્નશીલ રહી પોતાની જવાબદારી અદા કરવાની રહેશે.
  4. ૪. સભાસદના અરજીપત્રકમાં પત્ર વ્યવહારનું જે સરનામું જણાવેલ હશે તે સરનામે પત્ર વ્યવહાર કરવામાં આવશે. પરંતુ સભાસદના સરનામામાં કોઇ ફેરફાર થાય તો તેની જાણ લેખિતમાં ટ્રસ્ટની ઓફિસે કરવાની રહેશે.
  5. ૫. સભાસદ પોતાની હયાતી દરમ્યાન પોતાના વારસદારોના નામમાં ફેરફાર કરી શકે છે. આ અંગે નિયત અરજી ભરી ટ્રસ્ટમાં જાણ કરવાની રહેશે.
(૬) સભ્યપદ રદ કયારે થઇ શકે ?
  1. ૧. આ યોજનામાં મૃત્યુ સહાય ફાળાની રકમ નક્કી કરેલ મુદતમાં (૩૦ દિવસ) જમા કરાવવાની રહેશે. આપેલી મુદ્ભમાં મૃત્યુ સહાય ફાળાની રકમ જમા નહી કરાવે તે સભાસદ આપો આપ રદ થઇ જશે.
  2. ૨. સભાસદના અવસાન થયેથી સભાસદ આપોઆપ રદ થઇ જશે.
  3. ૩. સભાસદ બનવું સ્વૈચ્છિક છે જેની ખાસ નોંધ લેવી.
  4. ૪. એક વખત સભાસદ નંબર અપાઇ ગયા પછી ફોર્મ ભર્યા પહેલાની કોઇ ગંભીર બીમારી જાણ થશે તો કારોબારી સમિતિ તેનું સભાસદ રદ કરી શકશે.
સામાજિક સુરક્ષા યોજનાના નિયમો તથા ટ્રસ્ટના બંધારણને વફાદાર રહેનાર કોઇપણ વ્યકિત સામાજિક સુરક્ષા યોજનાના નિયમ ફોર્મમાં પૂરી માહિતી ભરી દાખલ ફી ની રકમ રોકડ અગર ડ્રાફટથી જમા કરાવ્યેથી તેનું અરજીપત્રક સ્વીકારવામાં આવશે. અરજીપત્રકમાં ઓળખ માટે ટ્રસ્ટના કારોબારી સભ્યની સહી ફરજિયાત કરાવવાની રહેશે. અરજીપત્રકની ચકાસણી કર્યા બાદ કારોબારીમાં તેમના સભાસદ નંબર ફાળવવામાં આવશે તે પછી જ મૃત્યુ સહાયનો લાભ મળશે.

સામાજિક સુરક્ષા યોજનાના સંચાલનમાં સરળતા રહે તે માટે નિયમોમાં યોગ્ય ફેરફાર કારોબારી સાધારણ સભા કરી શકશે.

આખરી નિર્ણય ટ્રસ્ટની કારોબારી સમિતિને રહેશે જે સર્વને બંધનકર્તા રહેશે.